ઉપરવાળાનો ત્રાસ –

 

તા. ૨૦ ની પોસ્ટમાં ‘ઉપરવાલા’ને યાદ કર્યો તેમાં તો તે રહી પડ્યો ઉપરના માળે. હવે ઉપરનો માળ ખાલી થાય (એમાં કાંઈ છે કે નહી, તેની ખબર નથી !) તો બીજું કોક આવે, એટલે આજે તો ઉપરવાળાને બ્લોગ પર મુકી દેવો છે.

વર્ષો પહેલાં શ્રી રવિન્દ્રનાથ ટાગોરની ‘ગીતાજલી’ માં એક પ્રાર્થના વાંચી હતી, શબ્દો તો યાદ નથી, પણ અર્થ કંઈક એવો છે – ‘હું તારી પાસે દુઃખમાંથી મને બચાવ એવું નથી માગતો, પણ મને દુઃખ સામે લડવાની તાકાત દે’. ગુજરાતીઓએ તો એથીય વધારે હરિની ખબર લઈ નાખી – ‘કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું’.

સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીએ એનાથી એ આગળ વધીને કહી દીધું –

“ગરજ હોય તો આવ ગોતવા”

ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ !

ખોજ મને જો હોય ખેવના, હું શીદ સહેલ ઝલાઉં હરિ !

ગેબ તણી સંતાકુકડીમાં, દાવ તમારે શિર હરિ !

કાળાન્તરથી દોડી રહ્યા છો, તોય ન ફાવ્યા કેમ, હરિ !

સૂફીઓ ને સખી ભક્તો ભૂલ્યા, વલવલિયા સૌ વ્યર્થ, હરિ !

‘સનમ ! સનમ !’ કહીને કો’ રઝળ્યા, કોઈ ‘પિયુ ! પિયુ !’ સાદ કરી

પોતાને પતિતો દુષ્ટો કહી, અપમાને નિજ જાત હરિ !

એ માંહેનો મને ન માનીશ, હું સમવડ રમનાર, હરિ !

તલસાટો મુજ અંતર કેરા, દાખવું તો મને ધિક, હરિ !

પતો ન મારો તને બતાવું, હું-તું છો નજદીક હરિ !

મારે કાજે તુજ તલસાટો, હવે અજાણ્યા નથી, હરિ !

હું રિસાયેલને તું મનવે, વિધવિધ રીતે મથી, હરિ !

પવન બની તું મારે દ્વારે, મધરાતે ઘુમરાય, હરિ !

મેઘ બનીને મધરો મધરો, ગાણા મારાં ગાય હરિ !

વૈશાખી બળબળતાં વનમાં, દીઠા ડાળેડાળ ભરી,

લાલ હીંગોળી આંગળીઆળા, તારા હાથ હજાર હરિ !

માછલડું બનીને તેં મુજને, ખોળ્યો પ્રલયની માંય, હરિ !

હું બન્યો કાદવ, તું બની ડુક્કર રગદોળાયો – શરમ હરિ !

પથ્થર લક્કડ પશુ પંખી થૈ, નજર તમારી ચુકાવી, હરિ !

માનવ થઈ પડું હાથ હવે, તો જગ કહેશે, ગયો ફાવી, હરિ !

લખ ચોરાશીને ચકરાવે, ભમી ભમી ઢુંઢણહાર, હરિ !

ડાહ્યો થૈ કાં દાવ પૂરો દે, કાં તો હાર સ્વીકાર, હરિ !

(સાભાર – માવજીભાઈ.કોમ)

 

આવા મહાકવિના શબ્દો આ પાના પર ઉતારી હવે કંઈ લખવાની હામ રહી નથી. હવે લખાય તે કોઈ બાળક વડીલ પાસે કાલીઘેલી ભાષામાં વાત કરે એવું ગણજો. મારાથી તો હરિને ‘હું સમવડ રમનારો’ કહી જ શકાય તેમ નથી, પણ હરિને આજે આ પાના પર તો મુકી જ દેવો છે, મારો તો છુટકારો થાય.

જુગલભાઈએ તો તા, ૨૦ની પોસ્ટમાં સલાહ આપી દીધી કે ‘ઉપરવાળો’, ‘હું જ હરિ’ અને ‘વિજ્ઞાન’ ત્રણેને ભેગા રાખવા (સરવાળો કરવો). પણ ભેગા રાખવાની કઠણાઈ કોને કહેવી, ભાઈબંધ કે બહેનપણીને કોઈ ભેગા રાખવા દે છે ? હવે જો એને ભેગા ન રાખી શકાતા હોય તો આ ત્રણે તો દુશ્મન મનાય છે. ભગવાનની વાત કરો તો વૈજ્ઞાનિકો ‘ભગતડાં’ ગણી તગડવા મંડે, ‘હું જ ભગવાન’ કહીએ તો ‘ફાટીને ધુમાડે ગ્યો છે’ એવું સંભળાવે, એટલે વિચાર એવો થાય છે કે સાદા ઉપાયમાં ‘ઉપરવાળા’ને કંઈક નવા વાઘા પહેરાવી દઈએ તો પાર આવે. શ્રી મેઘાણીજીએ તો વાઘાનું સ્વરુપ દેખાડી જ દીધું,

પવન બનીને તું મારે દ્વારે…., મેઘ બનીને મધરો મધરો…., વૈશાખી બળબળતા વનમાં, દીઠા ડાળેડાળ ભરી, લાલ હીંગોળી આંગળીઆળા, તારા હાથ હજાર હરિ…

પ્રકૃતિ એટલે જ હરિ.

પ્રકૃતિ ધર્મ એટલે ધર્મ.

આપણે તેને આધિન રહીએ તો ઉપરવાળાનો પ્રશ્ન જ નહીં.

પ્રકૃતિના નિયમોને સાબિતી આપી વિજ્ઞાન ફુલાય કે અમે બ્રહ્માંડનું રહસ્ય શોધી કાઢ્યું.

આપણે તો વિજ્ઞાનને સાધન ગણી લઈએ એટલે સ્વીકાર કરવાનો સવાલ નહી. સાધન તો આપણા હાથમાં જ હોય.

‘હું’ પ્રકૃતિનો જ એક ભાગ છું એટલે ‘હું જ હરિ’ કહેવામાં પણ વાંધો નહીં.

આમ આપણે રામ ! તો પ્રકૃતિને અધિન થઈ ગયા, હવે ઉપરનો માળ ખાલી થઈ ગયો.

તમારું કેમનું છે ?

11 comments on “ઉપરવાળાનો ત્રાસ –

 1. jjkishor says:

  “તમારું કેમનું છે ?” ના જવાબમાં તો હળવા હૈયે (રમુજમાં)સવાલ જ કરીશ, કે તમારા ઉપલામાળે મને રાખશો ?

  તમારો માળ ખાલી નથી…ત્યાં રહીને ઘણું મેળવવા જેવું છે ખરું.

  Like

  • jitu48 says:

   તમારા જેવા વદીલ મિત્ર રહેવા આવે તો મકાનમાલિક ફાયદો જ ફાયદો !
   આભાર.

   Like

 2. Prof. HITESH JOSHI says:

  Sometimes …
  I feel I have to hike up my level of understanding to realise your talk.
  Today I am unable to give any comment…!

  Like

  • jitu48 says:

   હિતેશભાઈ,
   પ્રત્યેક માનવી બધું જ જાણે છે, હું ફક્ત કંઈક નવા તર્ક સાથે સમજવાનો પ્રયત્ન કરું છું અને ઇચ્છું છું કે આપ સૌ પણ તેમાં સહભાગી બનો.
   આભાર.

   Like

 3. પ્રકૃતિ એટલે જ હરિ.

  પ્રકૃતિમાંહે વિલસી રહેલું ચૈતન્ય એટલે હરિ.
  અથવા તો
  જેને લીધે પ્રકૃતિનો સઘળો વૈભવ જણાય છે તે હરી.

  માત્ર પ્રકૃતિથી કશું ન થઈ શકે. પ્રકૃતિના પ્રત્યેક કણ પાછળ ચૈતન્યનું અસ્તિત્વ હોય છે. પ્રકૃતિથી અચ્છાદિત થઈ ગયેલ હોવાથી જાણે કે તે સંતાઈ ગયેલ હોય તેમ લાગે છે.

  Like

  • jitu48 says:

   અતુલભાઈ,
   બાપુ ! તમને પણ વિજ્ઞાનનો રંગ લાગી ગયો. અણુ-પરમાણુના વિભાજનની જેમ પ્રકૃતિનું પણ વિભાજન કરી નાખ્યું. આપણું તો નક્કી જ છે – પ્રકૃતિની પાસે રહેવું, ચૈતન્યને ‘ગરજ’ હોય તો ગોતશે. જે હરિ !

   Like

 4. bharodiya says:

  —-‘હું’ પ્રકૃતિનો જ એક ભાગ છું એટલે ‘હું જ હરિ’ કહેવામાં પણ વાંધો નહીં.—-
  સાહેબ, મને આમાં થોડો વાંધો લાગ્યો. મારી ગણતરી એવી છે કે “હું” એટલે ઘઉં નો દાણો અને પ્રક્રુતિ એટલે કોથળો. ઘઉંનો દાણો એમ તો નો કહી શકે કે હું કોથળો છુ. બહુ બહુ તો કહી શકે કે હું કોથળામાં છું.( હું હરિની અંદર છું અથવા હરિનો એક અંશ છું પણ આખ્ખે આખ્ખો હરિ નહી. ). ઘઉંના દાણા લાખ હોય તો એના લાખ કોથળા નો બને. કોથળા માં બિલાડા હોય પણ કોથળા નહી.

  Like

  • jitu48 says:

   દાણો અને પ્રકૃતિ એ બને એકબીજામાં સમાયેલા છે કારણકે ઘઊંના દાણામાં બીજા અબજો દાણા બને છે. એમ હું માનુ છું

   Like

 5. આમ તો ‘હરિ’ અંગેના મારા વિચારો તમે જાણી જ લીધા છે છતાંયે ‘હું જ હરિ’ કહેવું મારા ઠીક રહેશે. કોઇના આશ્રિત બનીને કાકલુદીવાળું જીવન જીવવા કરતાં ઇજ્જતથી પોતાના બળે જે કંઇ પણ થઇ શકે તે કરવું યોગ્ય કહેવાશે..

  ઇશ્વરની હયાતી શોધવાના મારા બધા પ્રયાસો વ્યર્થ ગયા છે એટલે કુદરત-પ્રકૃતિ સિવાય બીજી કોઇ શક્તિ ઉપર હવે વિશ્વાસ નથી રહ્યો. કુદરતની પોતાની એક સ્વતંત્ર સ્વ્યંસંચાલિત સુંદર વ્યવસ્થા છે અને આપણે તેની સાથે સુમેળ સાધીને વિકાસ કરવાનો છે – આ હું મારા પ્રયત્નો બાદ સ્વાનુભવે સમજી શક્યો છું. આ વ્યવસ્થાને ચમત્કારિક ગણીને પુજવા કરતાં તેને નીરખવામાં અને માણવામાં મને ઘણો આનંદ આવે છે. કુદરતની આ સુંદર વ્યવસ્થાને ઇશ્વરના કાર્યનું રૂપ આપીને તેનું મહત્વ ઓછુ કરવું મને જરાયે નહી ગમે.

  આ અંગે કયારેક લખ્યુ હતું. સમય મળે ત્યારે અહીયાં નજર નાખજો….
  http://marobagicho.wordpress.com/2012/02/22/he-bhagwan/

  Like

 6. “હું જ ” એ શબ્દ અહંમ ઉત્પન કરતો શબ્દ છે… જયારે માનવી આ શબ્દ નો ઉપયોગ કરે છે ત્યારે અહંમ ઉત્પન થાય છે. હું જ કૈક છું… ખરેખર તો તેનાથી કઈ થવાનું જ ના હોય..

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s