‘બદલાવ’ (Change)નો મોટો દુશ્મન ‘સ્વ’ (Self) –
ગુગલ સર્ચમાં ફરતાં ફરતાં રાઓલજીના બ્લોગ ‘કુરુક્ષેત્ર’ પર પહોંચી ગયો. ૧, જાન્યુઆરી ૨૦૧૧ ની આધુનિકતાના વિરોધ અંગેની પોસ્ટ પરના પ્રતિભાવોમાં જાણે ‘કુરુક્ષેત્ર’ જીવંત બની ગયું અને મારા મનમાં પોસ્ટ અને પ્રતિભાવોના જન્મદાતા વિચારોને સમજવાનું કુરુક્ષેત્ર જીવંત થઈ ગયું. આધુનિકતાની વાત તો પછી આવે, પણ કોઈ વ્યક્તિ કંઈપણ બોલે (પછી ભલે આપણી સાથે વાત ન કરતો હોય) ત્યારે મગજનું કોમ્પ્યુટર ઓન થઈ જાય. જો કે મગજનું કોમ્પ્યુટર બંધ થતુ જ નથી, ઉંઘમાં પણ ચાલુ જ હોય છે, પણ આ તો જે તે વિચાર રજુ થયેલ હોય તેની ફાઈલ ઓપન થઈ જાય. ‘આ શબ્દ કે વાક્ય પહેલાં ક્યાં સાંભળ્યું હતું ? એને રીલેટેડ ફાઈલો (વિચારો) કઈ કઈ ? આ વિચાર માટે મેં કાઢેલા તારણો ક્યા ક્યા ? સાચું શું લાગે છે ? ક્યાં ફેરફાર જરુરી છે ?’ આ બધી જ ફાઈલો ‘સ્વ’ માંથી ઓપન થવા માંડે. શું સાચું – શું ખોટું એ પણ આપણે જ આપણી બુધ્ધી-જ્ઞાન અને અનુભવના આધારે નક્કી કરેલ હોય. આથી આપણા મનમાં જે ચિત્ર હોય એના કરતાં જુદું ચિત્ર નજરે પડે કે તુરત મનમાંથી વિરોધનો સૂર ઊઠે. વાદ વિવાદ શરુ થઈ જાય, કારણકે સામેવાળાએ પણ પોતાના મનમાં દોરેલા ચિત્ર પર આઘાત થાય, અને સ્વબચાવ એ તો પ્રાણીઓની જન્મજાત વૃત્તિ છે, એટલે સામેવાળો પણ બચાવ કરવાનો જ.
આનો ઉપાય ?
નાનપણમાં ભણતા હતા ત્યારે એક પાઠમાં આવું કંઈક વાંચેલું ‘સામેવાળાની દ્રષ્ટિથી નિહાળતાં અરધું જગત શાંત થયેલું લાગશે.’ સાચું નથી લાગતું ? સવાલ, આપણે સામેવાળાની દ્રષ્ટિ કેળવવાનો છે ! ક્યાંથી શરુ કરવું ? મારા મનમાં બે-ત્રણ ઉપાય ઉગે છે.
સૌ પ્રથમ તો આપણી ‘માન્યતાઓ’ ને ચકાસવાનો પ્રયત્ન કરી શકાય. માન્યતાઓ આવી ક્યાંથી ? નાનપણમાં આપણા કાચા મનમાં (બ્લેન્ક હાર્ડડિસ્ક પર) આજુબાજુવાળા એ ડેટા ફીડ કર્યો, મોટા થતાં થતાં આપણે પણ આજુબાજુ જોઈને કંઈક લખ્યું અને હાર્ડડીસ્ક ભરાતી ચાલી. મહદ અંશે આ ડેટાની ચકાસણી આપણે કરતા નથી અને મગજની હાર્ડડીસ્કની કેપેસીટી એટલી વધારે છે કે ડીસ્ક ફુલ થવાની કોઈ શક્યતા જ નથી. પેલી બિલાડીની વાત યાદ છે ? ‘બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય’, અપશુકનમાં માનતી કેટલી વ્યક્તિએ આ માન્યતાની ચકાસણી કરી છે ? હકીકતમાં તો બિલાડીના અપશુકન થયા હોય અને કોઈ કામમાં ગરબડ થાય તો તેનો ઉપાય કે કારણ વિચારવાને બદલે મનમાં બિલાડી જ દેખાય અને કાર્યમાં અસફળતા મળે અને દોષ બિલાડીને જાય. આપણી આસપાસથી કે આપણા પ્રયત્નોથી સૌ પ્રથમ આપણે માહિતી (Information) મેળવીએ છીએ, પછી આ નવી માહિતી, અગાઉ મેળવેલ માહિતી અને અનુભવના આધારે મન તેનુ વિશ્લેષણ કરી તેને જ્ઞાન (Knowledge) માં ફેરવે. હવે ઓછી માહિતી અને અધકચરા જ્ઞાનને કારણે બંધાયેલ ‘માન્યતા’નો અર્થ શો ? આપણો વિરોધ મહદ અંશે માહિતીની આધારે હોય છે. જો જ્ઞાનને આધારે હોય તો, એ ફક્ત વિરોધ ન હોય પણ સામેવાળાને સમજવાની તૈયારી પણ હોય. ‘હું જ સાચો’ અથવા તમે જાણતા નથી કે તમારું જ્ઞાન ઓછું છે એવો ટીકાત્મક સૂરી એ વિરોધમાં ન હોય. જોહરી વિન્ડોમાં આપણો બ્લાઈન્ડ એરીયાની જાણકારી મેળવવા ‘ફીડબેક’ લેવાની વાત છે તેમ. (મારા બ્લોગ પર ‘પતિ-પત્ની નજીક આવો -૪’ – ૨૬, મે ની પોસ્ટ, ). આથી સૌ પ્રથમ તમે તમારી માન્યતાઓને ચકાસવાનું શરુ કરી દો. જેટલું ખોટું હોય તેટલું ‘ડીલીટ’ કરતા જાવ, મન ખાલી થતું જશે અને નવું વિચારવાની તક અને ઝડપ પણ વધશે. સામેવાળાનું દ્રષ્ટિબિદું સમજવાનો પ્રયત્ન પણ શરુ થશે.
બીજો મુદ્દો ‘પૂર્વગ્રહ’ નો છે. પૂર્વગ્રહના પાયાનો થોડો અંશ માન્યતાનો પણ છે. આફ્રીકાથી સાઈઠના દાયકામાં બ્રિટનમાં શિફ્ટ થયેલા ગુજરાતી હજુ પણ ગુજરાતને અને ગુજરાતીઓને તેમણે જ્યારે દેશ છોડ્યો તે સમય જેવા જ સમજે છે. ગુજરાતની બદલાયેલી સ્થિતિ નરી આંખે જોવા છતાં સ્વીકારી શકતા નથી. અમેરીકા-કેનેડામાં રહેનાર, બીજાની વાતમાં માથું ન મારનાર, ત્યાં શિસ્તબધ્ધ રહેનાર ગુજરાતી, ગુજરાતમાં આવે ત્યારે સ્વયં શિસ્ત ભૂલી જાય છે. (‘અહીં આમ જ રહી શકાય’ એ દલીલ સાથે પોતાનો બચાવ પણ કરે છે.) હમણા અક્ષરનાદ પર (૬, જુન)રજુ થયેલી કેનેડીયન ગુજરાતીની વાર્તામાં ‘ઉંડે ઉંડે થતું કે આ દેશ કરતા મારા દેશમાં એટલું તો છે કે – વ્યક્તિ અને પશુ પોતાની જાત ભૂલ્યા નથી’ ની વાત પણ વાંચી. અહીં ‘મારો ભારત મહાન’ સાબિત કરવાનો ઇરાદો નથી પણ ‘મારુ વિશ્વ મહાન’ ના સ્વીકારની વાત છે. દરેક દેશની વિશિષ્ટતાઓ છે. જે વાત પશ્ચિમ વિજ્ઞાન દ્વારા મેળવવા મથે છે, એ જ વાત પૂર્વની સંસ્કૃતિ, અધ્યાત્મ દ્વારા મેળવવા મથે છે. વિજ્ઞાનીઓ કહેશે કે ‘melatonin’ નું સિક્રેશન વહેલી સવારે વધુમાં વધુ હોય, જો આ વખતે જાગી જઈ કામ પર લાગી જવામાં આવે તો શરીરની શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય. આપણે ત્યાં નરસિંહ મહેતાના પદમાં લખાય કે રાત છ ઘડી (લગભગ દોઢ કલાક) બાકી હોય ત્યારે ઉઠી જઈ ને આપણે આપણા ધર્મ સંભાળવા એટલે કામકાજ શરુ કરી દેવું. નરસિંહ મહેતા કેમેસ્ટ્રી ભણવા ગયા ન હતા, પણ આવું તારણ આપ્યું. હું જ્યારે ભણતો ત્યારે ‘બાઈબલ’ ફિલ્મમાં જોયેલું કે, પૃથ્વી જ્યારે જળબંબાકાર થવાની હતી ત્યારે ‘નોવા’ ને ભગવાને આકાશવાણી દ્વારા વહાણ બનાવવાનો અને પૃથ્વીવાસીઓને બચાવવાનો આદેશ આપ્યો. આ જ વાતનો ઉલ્લેખ ભારતીય સંસ્કૃતિમાં ભગવાને કલ્કીનો અવતાર ધારણ કરી પૃથ્વીને દંતશૂળ પર મુકી પૃથ્વીને બચાવી, એવી રીતે કરેલો છે. વાત ફક્ત એટલી જ છે કે દરેકે દરેક દેશની સંસ્કૃતિ પોતાના માટે મહાન છે, પણ આપણા માટે તો ‘મારું વિશ્વ મહાન છે’. પૂર્વની સંસ્કૃતિએ ‘પ્રાણી’ ઓને મહત્વ આપ્યું તો પશ્ચિમે ‘પૈસા’ને મહત્વ આપ્યું. બન્ને જરુરી છે. આપણે લીમડાના જંતુનાશક ઉપાયો ‘પ્રાણી’ઓને ધ્યાનમાં રાખી સમાજમાં જાહેર કરી દીધા તો પશ્ચિમે ‘પૈસા’ માટે તેની પેટન્ટ કરાવી. આમ કોઈ ઉચ્ચનીચ નથી, પોતાની સંસ્કૃતિ અનુસાર વર્તન કરે છે. માટે વ્યક્તિ, વસ્તુ, વિચાર, દેશ-પ્રદેશ માટેના પૂર્વગ્રહો છોડી બોલો ……. ‘મારું વિશ્વ મહાન’.
પૂર્વગ્રહના પાયાનો બીજો અંશ આપણી ‘અપેક્ષા’નો પણ છે. મારી અપેક્ષા વિરુધ્ધ કોઈ બોલે કે વર્તન કરે ત્યારે મને તેના માટે પૂર્વગ્રહ બંધાય છે. અપેક્ષાઓને આળખશો તો પૂર્વગ્રહના કારણો પણ ધ્યાનમાં આવશે અને તેનો નાશ પણ થશે.
જો માન્યતા અને પૂર્વગ્રહને ધ્યાનમાં લેશું તો મન બદલાવ માટે તૈયાર થશે, યોગ્ય ‘આધુનિકતા’નો સ્વીકાર કરશું અને રાઓલજીના બ્લોગ જેવું કુરુક્ષેત્ર જીવંત નહી થાય.
તો હવે ……… ‘મારું વિશ્વ મહાન’.
શી ભૂપેન્દ્રસિંહભાઈના બ્લૉગ ‘કુરુક્ષેત્ર’ તરફથી આપની કૉમેન્ટ મને મેઇલમાં મળતાં અહીં આવ્યો છું. આપે બહુ સાદી ભાષામાં માન્યતા અને પૂર્વગ્રહ જેવા ગહન વિષયની છણાવટ કરીમા છે.
આ વિષયની ચર્ચા કરવાની મને પણ તક મળી છે. મારા બ્લૉગ ‘મારી બારી’માં બે લેખમાળા છે -‘સત્યવચન’ અને ‘સત્યઃ વ્યવહારમાં’. આપ એ વાંચીને અભિપ્રાય આપશો તો આનંદ આવશે. લિંકઃ wallsofignorance.wordpress.com.
LikeLike
[…] અલગ દ્રષ્ટિથી લખાયેની જુની પોસ્ટ – ‘બદલાવ’ (change) નો મોટો દુશ્મન ‘સ્વ’ – યાદ આવે […]
LikeLike