માબાપ, સ્વાર્થનો સંબંધ ?

માબાપ, સ્વાર્થનો સંબંધ ?

આજે ‘માબાપને ભૂલશો નહી’ના કાર્યક્રમમાં હાજરી આપવાની છે. પણ આ ‘ન ભૂલવાનો’ પરિપ્રેક્ષ્ય આજના યુગમાં બદલાય નહી ?

નાનપણમાં કવિતાઓમાં ‘મા’ના નિર્ભેળ પ્રેમની વાતો ભણ્યા છીએ. બાળક રાત્રે પથારી ભીની કરે તો, પથારીના એ ભીના ભાગમાં મા પોતે સૂઈને કોરા ભાગમાં બાળકને સુવાડે, એ પણ ક્યારે બને કે મા પોતે ‘સજાગ’ ઉંઘ કરતી હોય તો. આજે માની પાસે આવો સમય જ ક્યાં છે ? આખો દિવસ ઓફીસમાં કામ કર્યું હોય, ઘરકામ કર્યું હોય, આમાં ‘સજાગ’ ઉંઘ ક્યાંથી આવે, ઘસઘસાટ ઉંઘ જ આવે ને ! જો કે આના ઉપાયમાં આધુનિક કમ્પનીઓએ નેપીની સગવડતા કરી જ આપી છે. નાનું બાળક સંપુર્ણપણે માબાપ પર નિર્ભર છે. તેના પ્રત્યેક કાર્યમાં મા અથવા બાપના ટેકાની જરુર છે. પણ માબાપ આ ટેકો આપવા ઉપલબ્ધ હોતા નથી, ક્યારેક મજબુરીમાં તો ક્યારેક ‘સ્વ’ કરતા બાળકને ઓછું મહત્વ આપીને. પણ આની લાંબા ગાળાની અસર વિશે આપણે ઘણું ઓછું વિચારીએ છીએ. નાનું બાળક પોતાની જરુરીયાતો સંતોષવાના પ્રયત્નોમાં માબાપની ગેરહાજરીની નોંધ મનોમન લેતું જ હોય છે. માબાપો પણ આ ગેરહાજરીના જસ્ટીફીકેશન, બાળકને સમજાવવાની તસ્દી લેતા જ નથી. આથી ધીમે ધીમે બાળકનો માબાપ સાથેનો લાગણીમય સંબંધ ઓછો થતો ચાલે છે. પછી પાછલી ઉમરે માબાપ પોતે બાળક પર કરેલા ઉપકારોની દુહાઈ દઇને પોતાને પાળવાની જવાબદારી પુત્ર કે પુત્રી પર ઢોળી દે એ કેટલું યોગ્ય ગણાય ?  નાનપણમાં,  માબાપ તરફથી જે બાળક માટે અલ્પ લાગણી વ્યક્ત થઈ હોય, એ જ બાળક પાસેથી માબાપ વૃધ્ધાવસ્થામાં સો ટકા લાગણીની ભરપાઈની અપેક્ષા કેવી રીતે રાખી શકે ?

આ પ્રશ્નોથી નવી પેઢીની ‘માબાપની અવગણના’નો બચાવ કરવાનો કોઈ ઇરાદો નથી. પણ ક્યાંક કશુંક ખોટું થયું છે એ તરફ માત્ર અંગુલીનિર્દેશનો છે. આજની યુવાપેઢીના માબાપ જ્યારે યુવાન હતા ત્યારે લાગણી અને પૈસાની મહત્તાનો સંક્રાતિકાળ હતો. પૈસાની મહત્તા વધવાની દિશામાં એક દોટ શરુ થઈ ચૂકી હતી. એ વખતના યુવાનોએ આ દોટમાં મનેકમને પણ સામેલ થવું જ પડે તેમ હતું. આજે હવે જ્યારે લાગણીના બદલે પૈસાના સંબંધોનો વિકાસ થયો છે, ત્યારે આજની પેઢીને જ માબાપની અવગણનાનો દોષ દેવો ઉચિત નથી. ઘરડાઘર વધતી જતી સંખ્યાનો દોષનો ટોપલો ફક્ત નવી પેઢીને જ આપવો એ યોગ્ય નથી.

ફરીથી યુવાનો અને વૃધ્ધો વચ્ચે લાગણીના સંબંધોનો વિકાસ શક્ય છે ?

મને લાગે છે કે ‘છે’.

આજની યુવા પેઢીના પ્રશ્નો જોતાં લાગે છે કે માબાપ તેઓને ઉપયોગી થઈ શકે તેમ છે.

કામ કરતી માતાને નાના બાળકના ઉછેર માટે કોઈકની જરુર છે. બાળકને ઘોડીયાઘરમાં મુકવું પડે કે કોઇક ‘દાયીમા’ રાખવાની જરુર ઉભી થાય. વિદેશોમાં ચાઇલ્ડ માઈન્ડરની જરુર પડે જેના માટે, યુકે નો દાખલો આપું તો કલાકના પાંચ પાઉન્ડ ચુકવવા પડે. આ બધો ખર્ચ કરતાં પણ આપણે શરુઆતમાં ચર્ચા કર્યા મુજબ, બાળકને મા સાથેના લાગણીના સંબંધો સ્થપાવાના પ્રશ્નો તો ઉભા જ છે. આજે બાળકોના ઉછેરનું કાર્ય માબાપ ન કરી શકે ?

બીજું પતિપત્નીની ગેરહાજરીમાં ઘર સંભાળવાના પ્રશ્નો તો ઉભા જ છે. કામકાજના સમયમાં ઘર બંધ રહે, એ સમય દરમ્યાનના ઘરના કામકાજોની જવાબદારી વૃધ્ધ માબાપ સંભાળી શકે.

સામાજીક સંબંધો જાળવવા માટે જરુરી પ્રસંગોમાં યુવાનોના પ્રતિનીધી તરીકે વૃધ્ધો ઉપયોગી બની શકે.

યુવાન પેઢીની આ જરુરીઆતો સંતોષવામાં માબાપનો ઉપયોગ કરવો એ બાબતને યુવાનો પોતાના ‘સ્વાર્થ’ તરીકે ન સ્વીકારી શકે ?

સ્વાર્થ શબ્દ જરા ખૂંચશે, એ સ્વીકારીને પણ યુવાનો માબાપને ઘરડાઘરમાં મૂકવાને બદલે પોતાની સાથે રાખશે તો તેમનો સ્વાર્થ સધાય છે એ હકીકત છે.

આનાથી કદાચ ફરીથી લાગણીના સંબંધોની સ્થાપના થવાની શરુઆત થશે અને આજનો યુવાન જ્યારે વૃધ્ધ થશે ત્યારે તેના બાળક્ને માબાપને ઘરડાઘરમાં મૂકવાનો વિચાર નહી આવે. ધીમે ધીમે ઘરડાઘરોની સંખ્યામાં ઘટાડો થશે.

ફરીથી લાગણીના સંબંધોના ઉદયની આશા બંધાય.

આ ફક્ત તુક્કો નથી પણ ગંભીરતાથી વિચારવા જેવું છે.

આજના યુવાનો માબાપની સાથે ‘સ્વાર્થના સંબંધો’ રાખીને પણ માબાપને પોતાની સાથે ન રાખી શકે ?

One comment on “માબાપ, સ્વાર્થનો સંબંધ ?

  1. […] નૈતિક જવાબદારી છે. માબાપ સાથે ‘સ્વાર્થનો સંબંધ’ રાખીને પણ નિભાવવા જોઈએ. લખવું કે […]

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s