‘તમારો’, તમારી સાથેનો સંબંધ –

આજે નવા જ પ્રકારના સંબંધની વાત કરીએ, આ સંબંધને સમજવામાં ‘વિપશ્યના’ ઉપયોગી બને તેમ છે.

ચાલો તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ.

‘વિપશ્યના’ નું વિજ્ઞાન

દસ દિવસ માટે તમારે એક એવી જગ્યામાં બંધ થવાનું, જ્યાં કોઈની સાથે વાત નહી કરવાની, વાંચવા/લખવાનું નહી અને એમાં પણ દિવસના ૧૦ કલાક માટે, વારંવાર સળંગ એક કલાક સુધી હલનચલન કર્યા વગર, એક જ સ્થાન પર બેસી રહેવાનું અને આવતા-જતા શ્વાસ પર કે શરીર પર થતી સંવેદના ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું. આને તમે શું કહેશો, પોલીસ ખાતાની થર્ડ ડીગ્રી કે બીજું કંઇ ?

મિત્રો ! આ વિપશ્યનાનો પાયો છે. તમે ઓળખતા હો એવા ઘણા જાણીતા માણસો આ પ્રક્રીયામાંથી પસાર થયેલા છે. નામ જાણવા છે ? તો વાંચો –

શબાના આઝમી, મૌસમી ચેટરજી, દિપ્તી નવલ, આઇસીઆઇસીઆઇના ચેરમેન એન.વાગુલે, કિરણ બેદી, ટીવી ચેનલના માલીક – સુભાષ ચંદ્રા,  ઓડીસી ડાન્સર – પ્રોતીમા બેદી, આવું તો ઘણું લાંબુ લીસ્ટ છે. આ પ્રક્રીયા હજુ ચાલુ જ છે. આખા જગતમાં લાખો લોકો આ તાલીમ લઈ રહ્યા છે. અરે ! સરકાર આ તાલીમ દરેક જેલમાં કેદીઓ માટે યોજવાનું વિચારી રહી છે. સીમ્બાયોસીસ સેન્ટર ફોર મેનેજમેન્ટ ઍન્ડ હ્યુમન રીસોર્સ ડેવલોપમેન્ટ જેવી સંસ્થાએ વિપશ્યના તાલીમને તેમના કોર્ષમાં દાખલ કરેલ છે. મહીન્દ્રા જીપ, ઓએનજીસી, તાતા મેમોરીયલ હોસ્પીટલ જેવી કમ્પનીઓ અને સંસ્થાનો તેમના સ્ટાફને નિયમિત રીતે તાલીમમાં મોકલે છે.

તાલીમમાં એવું તો શું છે ?

ભગવાન શ્રી ગૌતમ બુધ્ધ દ્વારા અઢી ત્રણ હજાર વર્ષો પૂર્વે શીખવવામાં આવેલી, જે ભારતમાંથી લુપ્ત થઈ ગયેલ, પણ બર્મામાં તેના મૂળ સ્વરુપે સચવાયેલી અને શ્રી સત્યનારાયણ ગોએન્કાજીએ આ વિદ્યાને ભારતમાં પરત લાવી અને લોકોને સ્વનિરીક્ષણ દ્વારા પોતાની પ્રકૃતિને ઓળખી દુઃખમાંથી મૂક્તિ મેળવવાની રાહ બતાવવાનું શરુ કર્યું. શ્રી ગૌતમ બુધ્ધ દ્વારા શીખવાએલ પધ્ધતિ હોવાને કારણે લોકોમાં ‘બૌધ્ધ ધર્મી’ હોવાની છાપ ઉભી કરે છે. પણ  શ્રી ગોએન્કાજી તેમના સંબોધનોમાં સ્પષ્ટ સમજાવે છે વિપશ્યના કોઈ ચોક્કસ ધર્મની પધ્ધતિ નથી પણ ખરેખર તો સર્વ ધર્મની પ્રક્રીયા છે, દરેક ધર્મનો પાયો છે. તેઓશ્રી માનવીનો મૂળ ધર્મ શું છે તે સ્પષ્ટ કરે છે. આપણે ધર્મની વિગતોમાં નથી ઉતરવું, પણ વિપશ્યનાને વિજ્ઞાનની દ્રષ્ટીએ સમજવા મેં જે પ્રયત્ન કર્યો છે તેની ચર્ચા કરવી છે.

સૌ પ્રથમ તો પ્રક્રીયાને જાણીએ. વિપશ્યના તાલીમમાં શરુઆતના દિવસોમાં ધ્યાન મુદ્રામાં અથવા તમને જે આસન અનુકુળ પડે તેમાં બેસીને પોતાના શ્વાસની અવ-જા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય છે. અહીં એક મુદ્દો સ્પષ્ટ કરવો જરુરી છે કે શ્વાસને ફક્ત જોવાનો છે, તેના પર કોઈ કન્ટ્રોલ કરવાની વાત નથી. પહેલો સવાલ એ ઉઠે કે શ્વાસ એ શારીરિક પ્રક્રીયા છે, તેને અને મન/મનના વિચારો સાથે શો સંબંધ ? પ્રથમ દિવસે જ શ્રી ગોએન્કાજી સ્પષ્ટ સમજાવે છે કે તમે જ તમારા શ્વાસનું નિરિક્ષણ કરો, તમે અનુભવશો કે વિચાર બદલાય છે અને શ્વાસ બદલાય છે. જેમકે તમને ગુસ્સો આવે છે અને શ્વાસની ગતિ તેજ બને છે. આ સમયે તમે એવી કોઈ શારિરીક ક્રિયા નથી કરી કે તમને વધારે ઓક્સિજનની જરુર પડે અને ઝડપથી શ્વાસ લેવા પડે, ફક્ત મનમાં ગુસ્સો આવ્યો છે. તમે નિસાસો નાખો છો ત્યારે પણ વિચાર બદલાયેલ હશે. ચેક કરી જો જો. આમ શ્વાસ અને મનને સીધો સંબંધ છે. બીજી રીતે કહીએ તો શ્વાસ મનમાં પ્રવેશવાનું પ્રવેશદ્વાર છે.

Aura Body

તાલીમમાં આગળ વધતા વિપશ્યના શિખવવામાં આવે છે. જેમાં ધ્યાન દરમ્યાન શરીર પર ઉત્પન થતી સંવેદનાનું નિરીક્ષણ કરવાનું હોય છે. તમે ક્યારેય શરીરના કોઈ અંગ પર કીડી ચાલતી હોય એવો અનુભવ કર્યો છે ? ખરેખર શરીરના એ ભાગ પર નજર કરો તો ત્યાં કશું જ હોતું નથી, ફક્ત કીડી ચાલવાની સંવેદના થાય છે. એ શું છે ? એ ખરેખર તો તમારા વિચારનું હલનચલન છે. આપણા વિચારો મનમાં રહે છે, અહીં મન એટલે મસ્તિષ્ક એવૂં તમે સમજો છો, પણ એવું નથી. વિચારો આપણા સુક્ષ્મ શરીર (Aura) માં રહે છે. (સુક્ષ્મ શરીર આપણા જોઈ શકાતા શરીરની બહારની બાજુનું આવરણ છે જે આપણી આંખથી જોઈ શકાતું નથી, પણ કેટલાક ચોક્કસ પ્રકારના કેમેરાથી જોઈ શકાય છે. એ એક અલગ વિષય છે, તેની ચર્ચા ફરી ક્યારેક..). વિચારો એ Dense Energy નું Form છે. (આ લખાણ, આપણે સંપૂર્ણ વૈજ્ઞાનિક લખાણ નથી બનાવવું, આથી એની ચર્ચા નથી કરવી.)

ટૂંકમાં આપણા વિચારો સુક્ષ્મ શરીરમાં રહે છે અને તેની અસરથી આપણા શરીર (ભૌતિક શરીર) પર સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. આ વિચારો સુખદુઃખની અનુભૂતિ પણ કરાવે છે અને શરીરમાં વિવિધ રોગો પણ ઉત્પન્ન કરે છે. વિપશ્યનાની ક્રિયા વખતે મનને એકાગ્ર કરી અને શરીરની સંવેદનાનું નિરીક્ષણ કરવાનું હોય છે. સતત અને સખત અભ્યાસ પછી તમને ભૌતિક શરીરના સ્થાને ફક્ત શક્તિના તરંગોની જ અનુભૂતિ થશે. આમાં કોઇ ભ્રાંતિની વાત નથી, સત્ય હકીકત છે. તમે પણ આ શક્તિને જાણો છો. થોડુંક યાદ કરવું પડશે. નાનપણમાં તમે શીખી ગયા હશો કે જગતની પ્રત્યેક ચીજ અણુ/પરમાણુની બનેલી છે. પરમાણુ, મૂળભૂત કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે. (આ સિવાયના અન્ય ઘણા મૂળભૂત કણો છે પણ વિપશ્યનાનો તર્ક સમજવા આપણા માટે આટલા પૂરતા છે.) વધારે સરળતાથી સમજવા તમે આપણા સુર્ય મંડળને યાદ કરો. જેમ સુર્ય કેન્દ્રમાં છે અને આપણી પૃથ્વી જેવા ગ્રહો તેની આસપાસ ચકરાવા લે છે, એ જ રીતે પ્રોટોન/ન્યુટ્રોનના બનેલા કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ચકરાવા લે છે. આ કણોની ગતિ અને સુક્ષ્મતાને કારણે તે ‘કણ’ છે કે ‘તરંગ’, તે નક્કી કરી શકાતું નથી. એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવો જરુરી છે. પરમાણુમાં કણોના કદને અને તેમની વચ્ચેના અંતરને આપણે સુર્યમાળા સાથે સરખાવીએ, પ્રોટોન/ન્યુટ્રોનના બનેલા પરમાણુના કેન્દ્રને સુર્યના કદ સાથે સરખાવીએ તો ઇલેક્ટ્રોનનું કદ પૃથ્વીના કદ કરતાં પણ નાનું છે. સુર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરની કલ્પના કરો, બન્ને વચ્ચે કેટલી ખાલી જગ્યા (space) છે. આવી જ સ્પેસ પરમાણુમાં પણ છે. આપણા શરીરમાં રહેલા પરમાણુઓની કલ્પના કરો. જેટલા પરમાણુની સંખ્યા હશે તેના કરતાં અનેક ગણી વધારે ખાલી જગ્યા શરીરમાં હશે. તો અતિસૂક્ષ્મ દ્રષ્ટિથી જો શરીરને જોવામાં આવે તો, શરીરની નક્કરતાના સ્થાને ખાલી જગ્યા જ દેખાય અને તેમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની જગ્યાએ તરંગો જ નજરે પડે. આ તરંગોમાં જ્યાં જ્યાં વિચારો રહેલા છે ત્યાં ત્યાં ઘટ્ટતા નજરે પડશે. આકાશમાં રહેલા વાદળો સાથે સરખાવી જુઓ. પારદર્શક શરીરમાં વિચારો, વાદળોની જેમ ઘટ્ટ દેખાય છે.

વિપશ્યના દ્વારા આપણું કાર્ય આ ઘટ્ટતાને પારદર્શક બનાવવાનું છે. વિપશ્યનાના અભ્યાસ દ્વારા મનને ખુબ તાકાતવાન બનાવી, આ ઘટ્ટ્તા ઉપર પ્રહાર કરવાનો છે. જેમ પવનની શક્તિ વાદળોને વિખેરી નાખે છે તેમ મનની શક્તિ દુષિત વિચારો/સંસ્કારોને વિખેરી નાખે છે. પારદર્શક શરીર, શક્તિનું જ સ્વરુપ છે જે વિશ્વની શક્તિ (universal energy) સાથે એકાકાર થઈ જાય છે. આ નિર્વાણ નહીં તો બીજુ શું છે ?

‘તમારો’ સંબંધ કોની સાથે છે ? તમે માનો છો કે તમારું શરીર એ ‘તમે’ છો. પણ ઉપર જોયા મુજબ તો તે એક પારદર્શક પદાર્થ છે. જેને તમે પકડી શકતા નથી, નક્કરતા છે જ નહીં. આપણે સગવડતા ખાતર ‘આત્મા’ અને ‘પર્થિવ શરીર’ એવાં નામ આપી દો ને. પણ પાર્થિવ શરીર એ અણુ/પરમાણુની ગોઠવણ માત્ર છે. આ જ ગોઠવણ બીજી રીતે કરવામાં આવે તો નવો પદાર્થ બની જાય, જેમ પારો સોનુ બની જાય તેમ. તમારુ શરીર પણ નવું સ્વરુપ ધારણ કરી લે છે. આપણા જ ગુલામી માનસે પશ્ચિમી વિજ્ઞાનને સર્વોપરી માની, આપણી સંસ્કૃતિની તાકાતને નકારી છે. પણ આ તાકાતને એક્વાર તો ટેસ્ટ પૂરતી તો અજમાવી જુઓ !

4 comments on “‘તમારો’, તમારી સાથેનો સંબંધ –

 1. […] –   ૧   –      :     –   ૨   –     :      –   ૩   –    :      –   ૪   – […]

  Like

  • jagdish48 કહે છે:

   આભાર, સુરેશભાઈ,
   મેં વિપશ્યનાનો અનુભવ બે શિબિર દ્વારા કરેલ છે.
   રેકીમાં પણ બે ડીગ્રી લીધી છે. પણ આ બંનેમાં મારો પ્રયત્ન વિશ્વની મુળભુત શક્તિને (energy and energybody) સમજવાનો રહ્યો છે.
   હાસ્યદરબારમાં તો તમને માણું છું, હવે ગદ્યસુરમાં ગંભીરતાને પણ ઓળખીશ.
   (હવે પછી આ પોસ્ટ વાંચનાર મિત્રોને નમ્ર સુચન કે પ્રથમ ‘ગદ્યસુર’ ના બ્લોગ પર જઈ, ઉપરની ૧,૨,૩,૪ લીન્ક પર જઈ શકાશે.)

   Like

 2. […] –   ૧   –      :     –   ૨   –     :      –   ૩   –    :      –   ૪   – […]

  Like

 3. સુરેશ કહે છે:

  વિપશ્યના અદભૂત છે. એની તાલીમ લેતી વખતે પહેલા બે દિવસ આવતા/ જતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવવામાં આવે છે. એ રીત પ્રમાણમાં વધારે સહેલી છે.
  બે ત્રણ મિનિટ જ એમ કરવાનો મહાવરો રાખીએ તો લાંબે ગાળે ( ત્રણથી છ મહિના) બનતી ઘટનાના માત્ર પ્રેક્ષક બનવાની ટેવ પડવા માંડે છે. એનાથી જીવનમાં થતા પરિવર્તન અને તેના ફાયદા અવર્ણનીય હોય છે.

  Liked by 1 person

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s