પતિ-પત્નિ : સૌથી મજબુત કે સૌથી નાજુક સંબંધ

પતિ-પત્નિ :  સૌથી મજબુત કે સૌથી નાજુક સંબંધ –

કાચા સુતરના તાંતણે બંધાયેલ જગતનો સૌથી મજબુત સંબંધ !

વરમાળાના કાચા સુતરના તાંતણાઓથી જીવનભરના અતૂટ બંધન ને બાંધવાની લગ્નવિધિ કેટલી સૂચક છે ! Demond Morris ના The Human Sexes ના ડીસ્કવરી ચેનલ પરના વિવિધ ઍપિસોડ જોતાં જોતાં ભરતીય લગ્નપધ્ધતિની મહત્તા સ્પષ્ટ થવા માંડે છે. ગોરમહારાજના ‘સાવધાન’ શબ્દની સાથે નવા સંબંધ માટે મનને મજબુત કરવાની પ્રક્રિયા, વરમાળા, છેડાછેડીની ગાંઠ, અરે ! સપ્તપદીના સાત પગલાં દ્વારા વ્યક્ત થતી બેઉ પક્ષોની જીવન આયોજનના કમીટમેન્ટની ભાવના, કેટકેટલું લગ્નવિધિ દ્વારા વ્યક્ત થયું છે. આ ભાવનાઓને સમજવાને બદલે આપણે ‘લીવ ઇન રીલેશનશીપ’ નો એંઠવાડ વિદેશોમાંથી આયાત કરવામાં પડ્યા છીએ. (Cool…. my young friends Coooool…, ખેલદીલીપૂર્વક ખુલ્લા દિલ – દિમાગથી આગળનું લખાણ વાંચવા વિનંતિ.)

સામાન્ય ઓળખાણમાં પણ એકબીજાને મળતી વખતે હાથ મિલાવતા મિલાવતા નજરમાં નજર પરોવી ‘હલ્લો’ કહીએ છીએ, જ્યારે જીવનભરનો સંબંધ બાંધવા થતા ‘હસ્ત મેળાપ’ ના સમયે થનારા જીવનસાથીની આંખમાં આંખ પરોવી, જીવનભરનો સાથ આપવા માટે દિલથી દિલના તાર સાંધવાને બદલે, કેમેરાના એન્ગલને ધ્યાન રાખી આલ્બમમાં ફોટો છપાવીએ છીએ.

પરિણિત મિત્રો ! યાદ કરો, છેલ્લે ક્યારે લગ્નનું આલ્બમ જોયું ?

લગ્નજીવનની શરુઆતના દિવસોમાં જોયું હશે, અને એ પણ અન્યને લગ્નની ઝાકઝમાળ દેખડવા માટે તેમની સાથે જોયું હશે.

રસ્તા પર ચાલતા માતા-બાળકને ક્યારેક જો જો. જોખમની પળોમાં કે અનિશ્ચિતતાની પળોમાં બાળક તુરત માનો હાથ પકડી લે છે. મા પણ તુરત તેનો હાથ પકડી તેને તકલીફ નહીં થવા દે તેવી હૂંફ આપે છે. હસ્તમેળાપની વિધિને પણ આપણે આવી દ્રષ્ટિથી ન જોઇ શકીએ ? નવજીવનની શરુઆતથી જ સુખદુઃખમાં સાથે રહેવાનો વિશ્વાસ ન બંધાવી શકીએ ?

છેડાછેડી બાંધવાની ગાંઠમાં પણ પૈસો, હળદળ. દર્ભ  (એક પ્રકારનું ઘાસ), જેવા પ્રતિકો મુકવામાં આવે છે જે સંદેશો આપે છે કે હવે પછી ધનસંપત્તિ પર આપણો સંયુક્ત અધિકાર હશે, હળદળ એકબીજાના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની યાદ અપાવે છે, દર્ભ જેવું ઘાસ પાણી મળતા લીલુંછમ થઇ જાય તેમ આપણે પણ આપણા જીવનને લીલુંછમ રાખવાનો પ્રયત્ન કરીશું, આવી ભાવનાઓથી બંધાતો સંબંધ જગતનો સૌથી મજબૂત સંબંધ ન ગણાય ?

હજુ સપ્તપદીની વાત તો બાકી જ રહી. લગ્નજીવનને અને સંબંધને વધુ મજબૂત બનાવવા માટેના આયોજન (Planning) અને પરસ્પર વચનબધ્ધ થવાની વાત સપ્તપદી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમી જગતની મેનેજમેન્ટ અને ‘Need’ થીયરીઓને આપણી સંસ્કૃતિમાં પુરાણકાળથી જ અમલી બનાવી દીધેલ છે.

painting-of-saptpadi1

(ઉપરનું ચિત્ર “જીવન સંધ્યાનો ઉજાસ” પરથી સાભાર)

સપ્તપદીના પ્રથમ પગલામાં વર-વધૂ વચનબધ્ધ થાય છે કે આપણે એકબીજાનું ભરણપોષણ કરશુ. આ કાર્યમાં મહદ અંશે સ્ત્રીઓના ભાગે ઘર અને રસોઇનું કામ આવે છે. પુરુષ પોતના અહમના કારણે સ્ત્રીઓને ઉતરતી કક્ષામાં મુકે છે. પણ આ પ્રથમ વચન પ્રમાણે સ્ત્રી-પુરુષને સમાન કક્ષામાં મુકવામાં આવ્યા છે. આ વાતની પૂર્તતા માટે ગાડાના બે પૈડાની અસમાનતા હોય તો શું થાય ? ઍ વાત દ્વારા ઘણી વખત  સ્ત્રી-પુરુષની સમાનતા સમજાવવામાં આવે છે.

યુવામિત્રોને એ પણ યાદ અપાવી દઉ કે યુથ આઇકોન શ્રી ચેતન ભગત દ્વારા ઍક વકતવ્યમાં કહેવામાં આવેલ છે કે “મારી પત્ની બેન્કમાં નોકરી કરે છે અને હું આખો દિવસ ઘરે હોઉ છું. ઘરની કાળજી રાખવાની જવાબદારી મારી છે અને હું માનું છું કે ઘર ચલાવવુ ઘણું મુશ્કેલ છે. ખરેખર સ્ત્રીઓ ઘર ચલાવીને ઘણી મોટી જવાબદારી પૂરી કરે છે.” એથી પણ આગળ વધીને વાત કરીઍ તો મેનેજમેન્ટ ગુરુ શ્રી સરુ રાંગણેકર જણાવે છે કે મેનેજરોઍ  સ્ત્રીઓના રસોડાના મેનેજમેન્ટ પરથી ઉદ્યોગ-ધંધાનું મેનેજમેન્ટ શીખવું જોઈએ. ઍમાં બધા જ પ્રકારના મેનેજમેન્ટ સિધ્ધાંતોનો ઉપયોગ થાય છે.

કઈ કઈ વસ્તુ પર કેટલો અને ક્યારે ખર્ચ કરવો – ફાઈનાન્શીયલ મેનેજમેન્ટ

કઈ વસ્તુઑનો કેટલો અને ક્યારે સંગ્રહ કરવો – ઈન્વેન્ટરી કન્ટ્રોલ

સમયસર રસોઈ બનાવવી અને સાથે સાથે અન્ય કાર્યો પણ કરવા – ટાઈમ મેનેજમેન્ટ

પતિ અને અન્ય સભ્યોને (આ સર્વને ગ્રાહક તરીકે સમજો) પોતાના કાર્યોથી અને ખોરાકથી સંતોષ આપવો અને બાળકોને નહી ભાવતી વસ્તુઓ યુક્તિપૂર્વક ખવડાવવી – માર્કેટીંગ મેનેજમેન્ટ

આવા તો મેનેજમેન્ટ્ના કેટલાય સિધ્ધાંતોનો ઉપયોગ ગૃહિણી કરે છે. હવે તમે નક્કી કરો કે સ્ત્રીઓનું કાર્ય કઈ રીતે ઉતરતી કક્ષાનું ગણાય. (આ તો સપ્તપદીની વાતમાં ઍક જરુરી આડવાત થઈ. હવે મૂળ વાતને આગળ વધારીઍ.)

સપ્તપદીના બીજા પગલામાં વર-વધૂ એકબીજાના શારિરીક અને માનસિક બળની વૃધ્ધિ માટે વચનબધ્ધ થાય છે. યોગ્ય પરિશ્રમ અને આહારવિહાર વડે શારિરીક બળ અને યોગ્ય વાણી-વ્યવહાર તથા વિચાર વિમર્શથી માનસિક બળ વધારવાની વાત છે.

ત્રીજા પગલામાં ધનવૃધ્ધિ માટે કટિબધ્ધ થવાની વાત છે. નાણાની આવક-જાવકની યોગ્ય વ્યવસ્થા કરી ભવિષ્ય માટે ધન સંચયની વ્યવસ્થા વિચરવાની વાત છે.

ચોથા પગલામાં સુખદુઃખમાં સાથ નિભાવવાની વાત છે. આનંદ અને દુઃખના પ્રસંગોમાં સાથે રહીને માણવાની કે અન્યોન્યને હુંફ આપવાની વાત છે.

પાંચમાં પગલામાં પરિવાર-બાળકોના પાલન માટેની વાત છે. તેમની પૂરતી દેખભાળ, સુરક્ષા અને ઉન્નતિ માટે વચનબધ્ધ થવાનું છે.

છઠ્ઠુ પગલું ઋતુચર્યા – નૈસર્ગિક વૃતિઓની યોગ્ય પ્રકારે તૃપ્તિ માટેનું છે.

અંતમાં સાતમા પગલામાં જીવનભર એકબીજાને મિત્ર તરીકે સ્વીકારી સંબંધ જાળવી રાખવા વચનબધ્ધ થવાનું છે.

હવે તમે જ નક્કી કરો કે આવી બધી પ્રક્રીયામાંથી પસાર થઈને બંધાયેલ સંબંધ કેટલો મજબૂત હોય.

મનુષ્ય જીવનની એક મજબૂત સંબંધ બાંધવાની પ્રક્રીયા – લગ્નવિધીને આપણે એક “વહેવાર”માં ફેરવી નાખી  છે. એમાં સંબંધ બાંધવા સિવાયનું બીજુ બધું જ આવે છે. અહમ અને સરખામણી ના વહેવારોથી બંધાયેલો પતિ-પત્નીનો સંબંધ પણ એક વહેવાર જ બની જાય ને ! હકીકત એ છે કે વહેવારો હંમેશા નાજુક હોય છે. જો વહેવારમાં બરાબરી (Equilibrium) ન જળવાય તો બેલેન્સ ખોરવાય અને સંબંધોમાં તિરાડ પડે.

પ્રેમ સંબંધથી બંધયેલા પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં અહમનો અભાવ, સમાનતા ની ભાવના, જતુ કરવાની વૃતિ, બાંધછોડ્ની તૈયારી, આ બધુ જ સમાયેલું છે અને ઍટલે જ મજબુત છે. પતિ-પત્નીના મજબુત સંબંધને અહમ, માન્યતાઓ, પૂર્વગ્રહો સાથે ટકરાવીને આપણે જ નાજુક બનાવી દીધો છે.

લગ્નપ્રસંગ જીવનમાં એક જ વાર આવે છે એટલે ધામધુમ તો હોવી જ જોઈઍ ને ! આ દલીલને આગળ ધરી, આપણે લગ્નપ્રસંગના મૂળ હેતુથી દુર ભાગીઍ છીઍ. પણ લગ્નવિધીને ગંભીરતાથી લઈ અને ઉત્સવની ઉજવણી રીસેપ્શન વખતે ન કરી શકાય ? રીસેપ્શનમાં વરવધૂને બનાવટી સ્મિત સાથે બેસાડી ભેટ-સોગદો અને  કવરોના ઉઘરાણાને બદલે, મહેમાનો સાથે મળીને નાચો-ગાઓને ! કોણ ના પાડે છે ?

ક્યાં ખોટું થાય છે ? વિચારી જુઑ. પેલી ટીવી ઍડ “જાગો રે…. “ની જેમ “ચાય પીઓ, સોચ બદલો”

–       જગદીશ જોષી

2 comments on “પતિ-પત્નિ : સૌથી મજબુત કે સૌથી નાજુક સંબંધ

 1. GUJARATPLUS કહે છે:

  Very good.

  Internet age and financial freedom may lead marriages in different direction.

  (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

  Like

 2. Harsha કહે છે:

  ખુબ સરસ બ્લોગ છે. મારા બ્લોગ વિશેના આપના અભિપ્રાય બાદ પ્રથમ વખત આપને જવાબ આપું છું.પરદેશમા વસતો મારો પરિવાર અહી હોવાથી ઉત્તર આપવામાં વિલંબ થયો તે બદલ ક્ષમા યાચું છું.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s